રામજી મંદિરથી નેશનલ હાઇવેનો જોડતો નવો રોડ વાહન ચાલકો માટે જોખમી બન્યો

રામજી મંદિરથી નેશનલ હાઇવેનો જોડતો નવો રોડ વાહન ચાલકો માટે જોખમી બન્યો

રામજી મંદિરથી નેશનલ હાઇવેનો જોડતો નવો રોડ વાહન ચાલકો માટે જોખમી બન્યો

બારડોલી : બારડોલીમાં રામજી મંદિરથી કદારેશ્વર મહાદેવ મંદિર થઈ નેશનલ હાઇવે નંબર 53ને જોડતા નવા બનેલા રોડ પર વારંવાર માટી ધસી જવાની ઘટનાને લઈને વાહન ચાલકો સામે જોખમ તોળાઈ રહ્યું છે. હાલમાં પડેલા ભારે વરસાદને કારણે અહીં માટી ધસી પડતાં રોડ બંધ કરવો પડ્યો હતો. જેને કારણે રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકો તો ઠીક પણ વિસ્તારમાં ટેકરા ઉપર રહેતા લોકોમાં પણ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.

નદીપાર વિસ્તારમાં ઊંચા ટેકરાને ચીરી રોડ બનાવ્યા બાદ તેની આજુબાજુથી માટી ધસી શકે તેવી શક્યતાઓને લઈ રોડની બંને તરફ સંરક્ષણ દીવાલનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ ઘણા લાંબા સમય બાદ પણ આ કામ હજી અધૂરું જ હોય વાહન ચાલકોએ જીવના જોખમે આ રોડ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે.

બારડોલી નગરપાલિકા દ્વારા મીંઢોળા નદી પાર આવેલા ચાંદપીર દરગાહ વિસ્તારને જોડવા માટે નદી પર રામજી મંદિર નજીક લો લેવલ બ્રિજના નિર્માણ બાદ અહીથી નેશનલ હાઇવેને જોડતો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે. આ રસ્તો ઊંચા ટેકરાને ચીરીને બનાવવામાં આવ્યો હોય અહીથી જાણે મોટા પહાડી વિસ્તારમાંથી પસાર થતાં હોય એવો અનુભવ થાય છે. આ ટેકરા પરથી ચોમાસા દરમ્યાન વરસાદને કારણે માટી ધસી જવાના બનાવો બને છે. બ્રિજની સામેની બાજુ નદીપાર વિસ્તારમાં આવેલ ઊંચો ટેકરા પરથી ધીમે ધીમે ધસી રહેલી માટી વાહન ચાલકો માટે જોખમી બની છે. ટેકરા પરના વૃક્ષો પણ માટી ધસવાથી મૂળસોટા જ ઊખડીને નીચે પડે છે. પાલિકા દ્વારા માટી ન ધસે તે માટે સંરક્ષણ વોલ બનાવવાનું નક્કી થયું હતું. પરંતુ છેલ્લા લાંબા સમય આ સુરક્ષા માટે ખૂબ જરૂરી કામગીરી કરવામાં આવતી નથી. થોડા દિવસ પૂર્વે જ અહીં માટી ધસી પડતાં વૃક્ષ રોડ પર પડ્યું હતું. જેને કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે અહી વહેલી તકે દીવાલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.