સુરતમાં પાણી ઘૂસવાનું શરૂ:ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં તાપી નદી બે કાંઠે

સુરતમાં પાણી ઘૂસવાનું શરૂ:ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં તાપી નદી બે કાંઠે

ઉપરવાસમાં સતત પડતા વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે સુરતમાંથી પસાર થતી તાપી નદીની સપાટીમાં વધારો થયો છે. ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડાતાં તાપી નદી કિનારે બનાવવામાં આવેલા વોકવે અને રિવરફ્રન્ટમાં પાણી ઘૂસી ગયાં છે. ફ્લડ ગેટ બંધ થાય તો પાણી ઉલેચવા માટે પાલિકાએ ડી-વોટરિંગ પંપ મૂક્યા છે. હાલ પાણી ભરાવાની નજીવી અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ તંત્ર એલર્ટ થઈ ગયું છે.

હાલની ઉકાઈ ડેમ અને તાપી નદીની સ્થિતિ
ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે 2.28 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમની સપાટી રૂલ લેવલ 333ને પાર કરીને 333.38 પર પહોંચી ગઈ છે. જેથી ડેમની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા 1.99 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદીની સપાટી સુરતના કોઝવે પર 9.46 મીટર પર પહોંચી ગઈ છે.