સુરતના સિટીલાઈટ ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઈ-FIR જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો.

સુરતના સિટીલાઈટ ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઈ-FIR જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો.

સુરતના સિટીલાઈટ ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઈ-FIR જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો.

સુરત શહેર પોલીસ દ્વારા સિટીલાઈટના અગ્રેસન ભવન ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઈ-FIR જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ ગૃહરાજ્ય મંત્રીના હસ્તે કોવિડ કાળમાં માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનારા સુરત જિલ્લાના ૨૨ બાળકોને બાળ કલ્યાણ યોજનાના અંતર્ગત કુલ રૂ.૩.૫૦ લાખના ચેક અર્પણ કરાયા હતા.આ પ્રસંગે ઈ-FIR ની પહેલ વિષે માર્ગદર્શન આપતા ગૃહરાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હવે મોબાઈલ કે વાહન ચોરીના કેસોમાં પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી. હવે સિટીઝન પોર્ટલ પર ઈ-FIR ના માધ્યમથી ઘરે બેઠા ફરિયાદ કરી શકાય છે. eFIR શબ્દ નાનો છે, પણ આગામી સમયમાં તે સૌથી મોટું ટ્રાન્સફોર્મેશન બનશે. જ્યારે કોઇ મધ્યમવર્ગીય વ્યક્તિના મોબાઈલ, લેપટોપ અથવા ગાડીની ચોરી થાય છે, ત્યારે તે હેરાન પરેશાન થઇ જવા પામે છે. નોકરીમાંથી રજા લઇને પોલિસ સ્ટેશન જવાથી તેને આર્થિક નુકસાની સહન કરવી પડતી હતી. જેને ધ્યાનમાં રાખી ડિજીટલ યુગમાં ડિજીટલ ટેકનોલોજી વડે રાજ્ય સરકારના ગૃહ વિભાગે ઈ-FIR પહેલ શરૂ કરી છે. જેમાં મોબાઈલ કે કોઈ પણ ઈ-માધ્યમ વડે ઓનલાઈન ફરિયાદ દાખલ કરવાથી નાગરિકોના સમયની બચત થશે અને ફરિયાદોનો ઝડપથી નિકાલ થશે.મંત્રીશ્રીએ આ સંદર્ભે ઉદાહરણ આપતા કહ્યું કે, ડાંગ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં મોબાઇલ કે ગાડીની ચોરી થતા ૧૦ કિ.મી દૂર આવેલા પોલિસ સ્ટેશન જઈને કોઇ ફરિયાદ આપવા તૈયાર થતું ન હતું. જેનાથી ચોરી કરનાર શખ્સો સજામાંથી બચી જતા હતા. પરંતુ હવે ઈ-FIR ના માધ્યમથી ફરિયાદ કરવાથી આવા કેસોમાં અસામજિક તત્વોને પકડીને સજા કરી શકાશે.ગુજરાત પોલીસે છેલ્લા એક વર્ષમાં ૫ હજાર કરોડના ડ્રગ્સને પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જેનાથી અનેક યુવાનોને અંધકારની ગર્તામાં ધકેલાતા બચાવી શકાયા હોવાનું ગૃહરાજ્યમંત્રીશ્રી કહ્યું હતું.આ પ્રસંગે શહેર પોલિસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ જનતાના મિત્ર છે. પોલીસ હંમેશા સુસંસ્કૃત અને સભ્ય લોકોની પડખે રહેશે, પરંતુ ગુનાહિત કાર્ય કરનારા તત્વો પર આક્રમક થઇને સજા-દંડ આપવામાં ક્યારેય ખચકાશે નહીં. કોરોના કાળમાં પોલીસકર્મીઓ પરિવારની ચિંતા કર્યા વગર રાત-દિવસ સેવારત રહ્યા હતા. ડિજીટલ જમાનામાં પોલીસ વિભાગ પણ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગુનાખોરી ડામવાનો પ્રયત્ન કરી રહી છે, જેમાં સરકાર સંપૂર્ણપણે સહયોગ આપી રહી છે. ઈ FIR તેનું ઉત્તમ ઉદાહરણ છે.આ વેળાએ ઈ-FIR વિશે માર્ગદર્શન આપતી ફિલ્મ પ્રદર્શિત કરાઈ હતી.આ પ્રસંગે અધિક પોલીસ કમિશનરશ્રી(સેક્ટર-૨) શરદ સિંઘલ, અધિક પોલીસ કમિશનરશ્રી (સેક્ટર-૧) પી.એલ.માલ, નાયબ પોલીસ કમિશનર(ટ્રાફિક સેક્ટર-૧) ઉષા રાડા, નાયબ પોલીસ કમિશનર(ક્રાઈમ બ્રાંચ) રૂપલ સોલંકી સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશભાઇ પટેલ, NRUCCના સભ્ય છોટુભાઇ પાટીલ, અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ સંજય સરાવગી, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી અશોક કાનુન્ગો તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.