ગુજરાતમાં ચીપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણને આકર્ષવા ગુજરાત સેમિકંડક્ટર નીતિ જાહેર

ગુજરાતમાં ચીપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણને આકર્ષવા ગુજરાત સેમિકંડક્ટર નીતિ જાહેર

ગુજરાતમાં ચીપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણને આકર્ષવા ગુજરાત સેમિકંડક્ટર નીતિ જાહેર

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ટેકનોલોજીકલ ક્રાન્તિ તરફ ગુજરાતે વધુ એક કદમ ભર્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણી, મુખ્ય સચિવ પંકજ કુમારની ઉપસ્થિતિમાં ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી ૨૦૨૨-૨૦૨૭ની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

 સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે, સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે આગવી ડેડિકેટેડ પોલિસીની જાહેરાત કરનારા પ્રથમ રાજ્યનું ગૌરવ દેશભરમાં ગુજરાતે મેળવ્યું છે. રાજ્યમાં સ્થાનિક સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી ૨૦૨૨ થી ૨૦૨૭ જાહેર કરવામાં આવી છે. આ પોલિસી થકી આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીનું સર્જન થશે.

 મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં દ્રષ્ટીવંત નેતૃત્વમાં સમગ્ર દેશમાં આત્મનિર્ભરતાની દિશામાં નક્કર આયોજનો થઇ રહ્યા છે ત્યારે સેમિકંડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના હેતુ સાથે ભારત સરકાર દ્વારા ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન( ISM)ની સ્થાપના કરવામાં આવી છે અને ભારતમાં સેમિકંડક્ટર ઉત્પાદન ક્ષેત્રે રોકાણ આકર્ષવા માટેની નીતિ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ભારત સરકાર દ્વારા રૂ.૭૬૦૦૦ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ભારત સરકારની આ પહેલને સમાંતર ગુજરાતમાં ચીપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણને આકર્ષવા મુખ્યમંત્રીશ્રી દ્વારા સેમિકંડક્ટર નીતિ જાહેર કરવામાં આવી છે. આ પોલિસીની જાહેરાત સાથે ગુજરાત સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે નીતિ જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે.

 - ૨ લાખ લોકોને રોજગારી મળવાનો અંદાજ

આ પોલીસી અંતર્ગત પ્રોજેક્ટના હેતુ માટે જમીનના ભાડાપટ્ટા/ વેચાણ/ ટ્રાન્સફર માટે પાત્ર પ્રોજેક્ટ્સ દ્વારા સરકારને ચૂકવવામાં આવેલ ૧૦૦% સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના એક વખતના વળતરની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ કાયદા હેઠળ મેળવવાની થતી તમામ મંજૂરીઓ ઝડપી રીતે મળી રહે તે અર્થે સિંગલ વિન્ડો મિકેનિઝમ સ્થાપવામાં આવશે. આ નીતીનો ઉદેશ્ય મોટા પાયે રોજગારી ઉભી કરવાનો છે તથા આગામી પાંચ વર્ષમાં ૨ લાખ લોકોને રોજગારી મળવાનો અંદાજ છે.