પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરના 3 લાભાર્થીને ઘરની ચાવી અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ 3 લાભાર્થીને રૂ. 10-10ના ચેક અપાયા

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરના 3 લાભાર્થીને ઘરની ચાવી અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ 3 લાભાર્થીને રૂ. 10-10ના ચેક અપાયા

                      છેવાડાના લોકો સુધી, ગરીબો સુધી અને વંચિતો સુધી સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ પહોંચે તેવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન સાથે સરકારની વિકાસ યાત્રા અવિરત ચાલી રહી હોવાનું જણાવી વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, સરકાર ગરીબોના વિકાસ માટે કેટલી બધી ચિંતિત છે તે વિવિધ કલ્યાણકારી યોજના પરથી જણાઈ આવે છે. સરકારની અનેક યોજનાના લાભ નાનામાં નાના લોકો સુધી પહોંચી રહ્યા છે જેનાથી તેઓ આર્થિક રીતે પગભર બની રહ્યા છે. સરકારની દરેક યોજના લોકો માટે વિકાસના દ્વાર ખોલી દે છે. વલસાડ પાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલે બાળકો અને મહિલાઓને લગતી વિવિધ યોજનાની માહિતી પુરી પાડી હતી. કાર્યક્રમમાં લોકોને વંદે ગુજરાત વિકાસ યાત્રાના એલઈડી રથ દ્વારા સરકારના વિકાસની ગાથા અને વિવિધ યોજનાઓ થકી લોકો પગભર થયા હોવાની સમજણ પુરી પાડી હતી. સાથે જ વલસાડ પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) હેઠળ 3 લાભાર્થીને રૂ. 3.50 લાખના ખર્ચે તૈયાર થયેલા ઘરની ચાવી મહાનુભાવોના હસ્તે સોંપવામાં આવી હતી.            

                    પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ 3 લાભાર્થીને રૂ. 10-10 હજારની લોનનો ચેક આપવામાં આવ્યો હતો. આ સિવાય વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. બપોરે 3 વાગ્યે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ પાલિકા વિસ્તારમાં આવેલા મોગરાવાડી ખાતે પહોંચ્યો હતો. જ્યાં મહાત્મા ગાંધી લાઈબ્રેરીમાં ધો. 5 થી 7 ના વિદ્યાર્થીઓ માટે આઝાદીનો અમૃત મહોત્સવ થીમ પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે પાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દક્ષિણ ઝોનની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર અરવિંદ વિજયન (આઈએએસ), પ્રાદેશિક કમિશનર કચેરી, નગરપાલિકાઓના સાઉથ ઝોનના અધિક કલેકટર વિનેશ બાગુલ, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, શહેર સંગઠન પ્રમુખ કંદર્પ દેસાઈ અને ડીજીવીસીએલના અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા