૨,૩૩,૫૬૨ જેટલા લાભાર્થીઓને પીએમ સ્વનિધિ યોજનાનો લાભ મળ્યો - CR પાટીલ

પીએમ સ્વનિધિ યોજના

૨,૩૩,૫૬૨ જેટલા લાભાર્થીઓને પીએમ સ્વનિધિ યોજનાનો લાભ મળ્યો - CR પાટીલ

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના' અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય નાણાં રાજયમંત્રી ભાગવત કરાડજીની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાની ગરિમામય ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે 'સ્વનિધિ મહોત્સવ' યોજાયો.

 

આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, પીએમ સ્વનિધિ યોજના સામાન્ય શેરી ફેરિયા સુધી પહોંચી તેનો આર્થિક બોજો ઓછો કરવાનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખુબ મોટો કાર્યક્રમ છે, શેરી વિક્રેતાઓને વ્યાજના ભારણમાંથી રાહત આપતી યોજના છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, આદિવાસીઓ, ગરીબો, માછીમારો સહિત તમામ વર્ગ માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત છે, ગુજરાતના નાગરિકોને પણ આજે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની અંદાજે ૪૦૦ જેટલી યોજનાઓનો લાભ મળી રહ્યો છે.

 ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ વધુમાં જણાવ્યું હતું કે, પીએમ સ્વનિધિ યોજના થકી શેરી વિક્રેતાઓને વ્યાજના ચક્રમાંથી છોડાવવા મહત્તમ લાભાર્થીઓને આ યોજના સાથે જોડવાનું માધ્યમ બની ખૂબ મોટી ક્રાંતિ થઈ શકે છે. સી.આર.પાટીલે ભાજપા સંગઠન તેમજ તમામ ચૂંટાયેલા સભ્યોને તેમના વિસ્તારમાં રોજગારી અર્થે આવતા શેરી વિક્રેતાઓને પીએમ સ્વનિધિ યોજનાનો મહત્તમ લાભ અપાવવા હાકલ કરી હતી. પ્રથમ રૂ.૧૦,૦૦૦ની લોનની નિયમિત ચુકવણી બાદ રૂ.૨૦,૦૦૦ અને ત્યારબાદ રૂ.૫૦,૦૦૦ સુધીની લોન મેળવીને શેરી વિક્રેતા પોતાના ધંધાનો વિકાસ કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના દિવ્યાંગો સહજતાથી જીવન જીવી શકે તે માટે ગુણવત્તાયુક્ત સાધનો આપવાનો એક ખૂબ મોટો પ્રયાસ કર્યો છે ત્યારે કામ કરવા સક્ષમ દિવ્યાંગોને સરકારની યોજનાઓના લાભ થકી રોજગાર મળે તે દિશામાં કાર્ય કરવા માટે આહવાન કર્યું હતું.

આજના આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી વિનુભાઈ મોરડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરી પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત છણાવટ કરી હતી અમે જણાવ્યું હતું કે, ૨,૩૩,૫૬૨ જેટલા લાભાર્થીઓ આજે પીએમ સ્વનિધિ યોજનાનો લાભ લઇ રહ્યા છે અને રાજ્ય સરકાર મહત્તમ લાભાર્થીઓને યોજનાનો લાભ અપાવવા પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે.

 આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીઓ, રાજ્યસભા તેમજ લોકસભાના સાંસદઓ, ધારાસભ્યઓ, ભાજપા સંગઠનના હોદ્દેદારો, મેયરઓ, અન્ય અપેક્ષિત અગ્રણીઓ, સબંધિત અધિકારીગણ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.