ગુજરાતના યુવાવર્ગને સ્પોર્ટસના માર્ગે વાળવા નવી સ્પોર્ટસ પોલીસીમાં શ્રેણીબદ્ધ પ્રોત્સાહનો-આકર્ષણ જાહેર કરવામાં આવ્યા

ગુજરાતના યુવાવર્ગને સ્પોર્ટસના માર્ગે વાળવા  નવી સ્પોર્ટસ પોલીસીમાં શ્રેણીબદ્ધ પ્રોત્સાહનો-આકર્ષણ જાહેર કરવામાં આવ્યા

                     ગુજરાતના યુવાવર્ગને સ્પોર્ટસના માર્ગે વાળવા તથા રાજયમાં રમતગમતનું ચિત્ર જ પલ્ટાવી નાખવાની દિશામાં દોટ મુકવામાં આવી હોય તેમ નવી સ્પોર્ટસ પોલીસીમાં શ્રેણીબદ્ધ પ્રોત્સાહનો-આકર્ષણ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની નવી સ્પોર્ટસ પોલીસી શનિવારે સાંજે જાહેર કરવામાં આવી હતી. સ્પોર્ટસ ટેલેન્ટને પ્રોત્સાહન આપવાની સાથોસાથ રાજયભરમાં વિશ્વકક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સહિતની માળખાગત સુવિધાઓ ઉભી કરવાનો ઉદેશ રાખવામાં આવ્યો છે. સ્પોર્ટસ કલ્ચરને પ્રોત્સાહન આપવાની નેમ સાથે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજવા તથા એથ્લેટીકસ- પેરાએથ્લેટને આકર્ષક પુરસ્કાર ઈનામો આપવાની પણ જોગવાઈ રાખવામાં આવી છે.

                        એમેચ્યોર તથા પ્રોફેશ્નલ સ્પોર્ટસ લીગ યોજવા તથા રમતગમત ક્ષેત્રનું અસરકારક રીતે સંચાલન- વહીવટ કરવાનો ઉદેશ રાખવામાં આવ્યો છે. 2022 થી 2027ના પાંચ વર્ષ માટેની આ ગુજરાત સ્પોર્ટસ પોલીસીમાં આર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવાના ધ્યેયને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે તેનાથી રમતવીરોને તો ફાયદો થશે જ. ઉપરાંત તેના સંલગ્ન ક્ષેત્રનો પણ વિકાસ શકય બનશે. એથ્લેટ તથા પેરા-એથ્લેટ માટે હાઈ-પરફોર્મન્સ સેન્ટર સ્થાપવાની જોગવાઈ કરવામાં આવી છે. સ્પોર્ટસ યુનિવર્સિટીમાં સ્પોર્ટસ સાયન્સ વિષય દાખલ કરવામાં આવશે. નવી સ્પોર્ટસ પોલીસીને લાગુ કરવા માટેની જવાબદારી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતને સોપવામાં આવી છે. સ્પોર્ટસ ગુડઝના ઉત્પાદન માટે ઔદ્યોગીક કલસ્ટર ઉભુ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ દરખાસ્તને આખરી સ્વરૂપ આપવા માટે વિવિધ વિભાગો દ્વારા પરામર્શ બેઠકો કરવામાં આવી રહી છે.