આમ આદમી પાર્ટીએ બારડોલી વિધાન સભા માટે રાજેન્દ્ર સોલંકીના નામની જાહેરાત કરતાં જ રાજકારણ ગરમાયું

આમ આદમી પાર્ટીએ બારડોલી વિધાન સભા માટે રાજેન્દ્ર સોલંકીના નામની જાહેરાત કરતાં જ રાજકારણ ગરમાયું

આમ આદમી પાર્ટીએ બારડોલી વિધાન સભા માટે રાજેન્દ્ર સોલંકીના નામની  જાહેરાત કરતાં જ રાજકારણ ગરમાયું

બારડોલી : આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની દસ વિધાન સભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બારડોલીના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા મજબૂત નેતા રાજેન્દ્ર સોલંકીના નામની જાહેરાત થતાં જ બારડોલી વિધાનસભા મત વિસ્તારનું રાજકારણ ગરમાય ગયું છે. ભાજપ સાથે જોડાયેલા અનેક જૂના અને પીઢ ગણી શકાય એવા અસંતુષ્ટ નેતાઓ રાજેન્દ્ર સોલંકીને પાછલા બારણેથી સપોર્ટ કરતાં હોવાની ચર્ચાએ હાલ તો જોર પકડ્યું છે.

સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રહી ચૂકેલા અને થોડા સમય અગાઉ જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા રાજેન્દ્ર સોલંકીને તાત્કાલિક સુરત જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા હતા. તેઓ જ્યારે ભાજપ છોડી આપમાં જોડાયા ત્યારે હાલ નારાજ ચાલી રહેલા ભાજપના કેટલાક પીઢ નેતાઓએ પણ રાજેન્દ્ર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈના સૂત્ર સાથે તેમને આપમાં પ્રોત્સાહન આપ્યું હતું.

દરમ્યાન મંગળવારના રોજ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ રાજ્યની દસ વિધાન સભા બેઠક માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં બારડોલીના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર સોલંકીના નામની જાહેરાત થતાંની સાથે જ રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા રાજેન્દ્ર સોલંકીની વર્તમાન નેતાઓ દ્વારા સતત અવગણના કરવામાં આવતા તેઓએ પક્ષ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. તેમના આમ આદમી પાર્ટીમાં જોડાવા છતાં કેટલાક ભાજપના અસંતુષ્ટ નેતાઓ તેમના સપોર્ટમાં હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. કોંગ્રેસની નબળી નેતાગીરીની સામે આમ આદમી પાર્ટીએ મજબૂત ચહેરો મૂકતા હાલ તો ભાજપની ચિંતા વધી ગઈ છે. કહેવાય છે કે રાજેન્દ્ર સોલંકીની ભાજપના કાર્યકર તરીકે પણ યુવાઓ સારી એવી પકડ હતી. સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં અને ખાસ કરીને બારડોલી વિધાનસભા અંતર્ગત આવતા મંડળોમાં બધુ સમુસૂતરું જોવા મળતું નથી. પલસાણા, બારડોલી તાલુકો, બારડોલી નગર, કડોદરા નગર અને ચોર્યાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીમાં અંદરોઅંદર ભારે વિખવાદ અને જુથવાદ પ્રવર્તી રહ્યો છે. ત્યારે રાજેન્દ્ર સોલંકીને તેનો ફાયદો થાય તેવું રાજકારણના જાણકારો માની રહ્યા છે.