મુખ્યમંત્રીએ જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગની વરસાદી સ્થિતીનો તાગ મેળવ્યો

મુખ્યમંત્રીએ જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગની વરસાદી સ્થિતીનો તાગ મેળવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વરસાદ પ્રભાવિત અને રેડ અલર્ટ જાહેર થયેલા પાંચ જિલ્લાની વરસાદી સ્થિતીનો તાગ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી મેળવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસેલા વરસાદને કારણે ઊભી થયેલી વિકટ સ્થિતીની સંપૂર્ણ વિગતો આ જિલ્લાના કલેકટરો પાસેથી મેળવી હતી. વરસાદને કારણે જાન-માલને ઓછામાં ઓછું નુકશાન થાય-જાનહાનિ ન થાય તેવી સતર્કતા સાથે કાર્યરત રહેવા જિલ્લા તંત્રોને માર્ગદર્શન આપતા ભૂપેન્દ્ર પટેલ એ આપ્યું હતું.આ સાથે તળાવ-નાના ડેમ છલકાયા હોય અને કોઝ વે-માર્ગો પર પાણી વહેતુ હોય તો લોકોની અવર-જવર, વાહન વ્યવહાર બંધ કરી સુરક્ષા સુનિશ્ચિત કરવા તાકિદ કરવામાં આવી હતી.

 

 

મંગળવારે વરસાદ પ્રભાવિત નર્મદા, નવસારી અને છોટાઉદેપુર જિલ્લાની જાત મુલાકાત લીધા બાદ આજે મુખ્યમંત્રીએ પાંચ જિલ્લાઓની વરસાદી સ્થિતીનું આકલન સી.એમ. ડેશબોર્ડ દ્વારા કર્યુ હતું.

મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના અને કાચા મકાનો-ઝૂંપડાઓમાં રહેતા લોકોના સલામત સ્થળે સ્થળાંતર તથા તેમને આશ્રય સ્થાનોમાં અપાતી સુવિધાઓ અંગે પણ જાણકારી મેળવી હતી.

 

મુખ્યમંત્રીએ જે માર્ગ પર કે કોઝ-વે પર વધુ પાણી વહેતું હોય, તળાવ છલકાયા હોય, નાના ડેમ છલકાયા હોય અને માર્ગો પર પાણી વહેતું હોય તો કોઇ વ્યક્તિ કે વાહનો ત્યાં જાય નહીં તે માટે આવા માર્ગો અવર-જવર માટે બંધ કરવા અને જરૂર જણાયે પોલીસ તંત્રની મદદ લેવા પણ સુચના આપી હતી.

 

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પાંચ જિલ્લાના જિલ્લા વહિવટી તંત્રોને બચાવ-રાહત કામગીરી, વીજ પુરવઠો, પાણી પુરવઠો, આરોગ્ય સેવાઓની કામગીરી તેમજ NDRF, SDRF ની ટુકડીઓનું જરૂરી સંકલન સાધવા પણ માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ ક્હ્યું કે, માનવ જીવન અમૂલ્ય છે ત્યારે વરસાદને કારણે જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય અને જાનહાનિ ન થાય તેવી સતર્કતા સાથે સલામતિના જરૂરી પગલા લેવા પણ તેમણે સુચનાઓ આપી હતી.