ધોધની ધારાઓ પાછળથી પ્રકૃતિને માણવાનો અનેરો લહાવો એટલે ‘શિવધોધ’ !

ધોધની ધારાઓ પાછળથી પ્રકૃતિને માણવાનો અનેરો લહાવો એટલે ‘શિવધોધ’ !

ધોધની ધારાઓ પાછળથી પ્રકૃતિને માણવાનો અનેરો લહાવો એટલે ‘શિવધોધ’ !

પ્રકૃતિના સૌદર્યમાં વધારો કરતા આવા ધોધ નિહાળવાનો લહાવો અનેરો છે. આવા જ એક અનોખા ધોધની વાત કરીએ તો... ધરમપુર તાલુકાના ચીચોઝર ગામના ડુંગરોમાં સ્થિત બીજા અનેક ધોધથી અલાયદો તરી આવતો અને અત્યંત રળિયામણો શિવધોધ. ધરમપુરથી માત્ર 13 કીમીના અંતરે પ્રકૃત્તિના સાનિધ્યમાં આવેલા ચીચોઝરના શિવધોધનો સુંદર નજારો માણવા જેવો છે. શિવધોધને નજીકથી નિહાળવા માટે 250 થી 300 મીટરનું ઓછા અંતરનું પણ રોમાંચક આરોહણ કર્યા બાદ ધોધનો બેનમૂન નજારો જોવા મળે છે. આ ધોધની વિશેષતા અને આશ્ચર્યચકિત કરતો નજારો એટલે ધોધની પાછળના ભાગે આવેલી બખોલ. તેથી જ આ શિવધોધને સ્થાનિક કૂકણાં જાતિના લોકો એમની બોલીમાં રણુની ખોરી કહે છે જેનો અર્થ થાય છે વાઘની ગુફા. લોકવાયકા છે કે, વર્ષો પહેલા આ ગુફામાં વાઘો વસવાટ કરતા હતા. આ બખોલ એટલી વિશાળ છે કે જ્યાં એકસાથે ૧૦૦થી વધુ લોકો ધોધની પાછળના ભાગે જઈ ધોધની ધારાઓમાંથી સામેની લીલીછમ પર્વતમાળાના આહલાદ્ક નજારાને મનભરીને માણી શકે છે. શિવધોધની 40 થી 45 ફૂટ ઉંચાઈથી પડતી જળધારાઓમાં નહાવાનો આનંદ જ અનેરો છે. ધોધની જળધારાઓ એક્યુપ્રેશરની જેમ શરીરને મસાજ કરાતો હોય એવો અનુભવ કરાવે છે. આ શિવધોધનો નજારો જોવો હોય તો એકવાર અવશ્ય મુલાકાત કરવી જોઈએ. ધરમપુર-ધામણી રોડ ઉપર ઝરિયાથી કેળવણી જતા ચીચોઝર નજીક જાનલભાઈ બારિયાની દુકાનથી ડાબી બાજુ સીધા જતા શિવધોધ પાસે પહોંચી શકાય છે. આપ જ્યારે પણ પર્વતીય જંગલ વિસ્તારમાં મુલાકાતે જાઓ છો ત્યારે કુદરતી સંપદાને નુકશાન ન થાય તે માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, અજાણી જગ્યાએ હોવ ત્યારે સલામતી માટે ભૌગોલિક પરિસ્થિતિ અંગે સ્થાનિકોને પુછપરછ કરી જાણકારી મેળવી લેવી અત્યંત જરૂરી છે.